વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આજે એકાએક દીવાલ ધરાશાયી થવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. આજવા રોડ પર આવેલા મહાવીર હોલ પાછળ, જૈન દેરાસર પાસે એક કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડી હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓ દીવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા.


આજવા રોડ પર કમ્પાઉન્ડ વોલ ધરાશાયી

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. દીવાલ ધરાશાયી થવાને કારણે કાટમાળ નીચે દબાયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયર વિભાગની કામગીરી

ઘટના અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ ફાયરના જવાનો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા કાટમાળ નીચે અન્ય કોઈ દબાયેલું નથી તેની ખાતરી કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેસીબી કે અન્ય સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉદ્યોગપતિ સાથે 2.52 કરોડની છેતરપિંડી, તપાસમાં કુલ 7.74 કરોડનું કૌભાંડ ખુલ્યું



  • Follow us on: