વલસાડ જિલ્લામાં સાયબર ક્રાઈમનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. શેરબજાર કે અન્ય સ્કીમમાં રોકાણના નામે વધુ વળતરની લાલચ આપીને ઠગબાજોએ વલસાડના એક જાણીતા ઉદ્યોગકારને લાખોનો ચૂનો લગાવ્યો છે. આ કેસની તપાસમાં પોલીસે આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

વધારે વળતરની લાલચે ઉદ્યોગપતિ ફસાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડના એક ઉદ્યોગકારે આકર્ષક વળતર મેળવવાની આશાએ અલગ-અલગ તબક્કે કુલ 2 કરોડ 52 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, રોકાણ કર્યા બાદ તેમને વળતર તો ન મળ્યું, પરંતુ પોતાની મૂડી પણ ખોવાનો વારો આવ્યો હતો. પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતા તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ 

વલસાડ પોલીસે આ મામલે ઊંડી તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ માત્ર એક ઉદ્યોગપતિનો કિસ્સો નથી, પરંતુ આ સમગ્ર નેટવર્ક દ્વારા કુલ 7 કરોડ 74 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ બનાવી છે.

મહારાષ્ટ્રથી એક શખ્સની ધરપકડ અને નાણાં રિકવર

પોલીસે આ કેસમાં સફળતા મેળવતા મહારાષ્ટ્રથી એક આરોપીની ધરપકડ કરી છે. સાયબર સેલની ત્વરિત કાર્યવાહીને કારણે ઉદ્યોગપતિના ખાતામાંથી ટ્રાન્સફર થયેલા નાણાં પૈકી 29 લાખ રૂપિયા બચાવી લેવામાં આવ્યા છે. પોલીસે આ રકમ ફ્રીઝ કરાવી દીધી છે.

આ પણ વાંચો: ફુલકી હાઇવે પર છકડો રીક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 22 વર્ષીય યુવકનું મોત