પાટડી તાલુકાના ફુલકી હાઇવે પર ધાસપુરના પાટીયા પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રોંગ સાઇડમાં આવતા એક છકડા રીક્ષા ચાલકે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારતા 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેની પત્નીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
રોંગ સાઇડમાં આવતા છકડાએ લીધી હડફેટે
મળતી માહિતી મુજબ, અખીયાણા ગામનો યુવક તેની પત્ની સાથે બાઇક પર હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ધાસપુર પાટીયા પાસે સામેથી રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક છકડો રીક્ષાએ બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક ચાલક યુવક હવામાં ફંગોળાયો હતો અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.










