ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામે નગરપાલિકાની બેદરકારીનો ભોગ સ્થાનિક ખેડૂતો બન્યા છે. સારોદથી જંબુસર નગરને પીવાનું મીઠું પાણી પૂરું પાડતી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની મહેનત પર ફેરવાયું પાણી
જંબુસર નગરપાલિકાની આ લાઈન ઓવરફ્લો અને લીકેજ થવાને કારણે નોંધણા ગામના અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હાલ ખેતરોમાં કપાસ, તુવેર અને દિવેલા જેવા મહત્વના પાકો તૈયાર થઈ રહ્યા હતા, પરંતુ પાણી ભરાઈ જવાથી આ ઊભો પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની માસિક મહેનત અને મોંઘા બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડ્યો છે.
તંત્રની ઘોર બેદરકારીના આક્ષેપ
ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબઆ સમસ્યા અંગે જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.તંત્ર દ્વારા સમયસર સમારકામ ન કરવામાં આવતા આજે આ સ્થિતિ સર્જાઈ છે.નગરપાલિકાની આળસને કારણે પીવાના પાણીનો પણ બગાડ થઈ રહ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.
વળતરની ઉગ્ર માંગ
ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે નુકસાન થયું છે, તેના પંચનામા કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સત્વરે લાઈન રિપેર કરવામાં નહીં આવે અને નુકસાનીની ભરપાઈ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.
આ પણ વાંચો: Rajkot: ઓસ્ટ્રેલિયામાં PR અપાવવાના બહાને તાંત્રિકે યુવક સાથે આચરી 24 લાખની છેતરપિંડી