ભારતીય સેનાની જાસૂસી કરવાના હાઈપ્રોફાઈલ કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) ને સેનાની સંવેદનશીલ માહિતી મોકલવાના આરોપમાં પકડાયેલી મહિલા આરોપી રાશમની રવિન્દ્ર પાલની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
ભારતીય સેનાની જાસૂસી કરવાનો કેસ
આ સમગ્ર કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે 4થી ડિસેમ્બરે તપાસ એજન્સીઓએ ગોવાથી બે જાસૂસોને ઝડપી પાડ્યા હતા. આ જાસૂસીકાંડના તાર ગુજરાતના મહેમદાવાદ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ ગુનામાં કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. એ. કે. સિંહ (દમણથી ધરપકડ), રાશમની રવિન્દ્ર પાલ (ગોવાથી ધરપકડ) કરી છે.
પાકિસ્તાની એજન્સી સાથે સંપર્ક અને માહિતીની આપ-લે
આરોપી રાશમની પાલ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સતત સંપર્કમાં હતી અને ભારતીય સેના (Indian Army) ને લગતી ગોપનીય વિગતો દુશ્મન દેશ સુધી પહોંચાડતી હોવાના ગંભીર પુરાવા મળ્યા હતા. ખેડા કોર્ટે અગાઉ તેને 12 દિવસના રિમાન્ડ પર સોંપી હતી, જે બાદ તેને જેલ હવાલે કરવામાં આવી હતી.
કોર્ટની કાર્યવાહી અને જામીન રદ
જેલમાં રહીને રાશમની પાલે નડિયાદની સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જોકે, મુખ્ય સરકારી વકીલ ધવલ આર. બારોટ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે અને આરોપીને જામીન આપવાથી તપાસને નુકસાન થઈ શકે છે. કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને મહિલા જાસૂસની જામીન અરજી નામંજૂર કરી છે.
આ પણ વાંચો: જયંતિ ભાનુશાલી હત્યા કેસ, ભચાઉ કોર્ટે મનજી બાપુને આરોપી બનાવવા અરજી ગ્રાહ્ય રાખી