નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર રેસિડન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. હર્ષ ચૌધરીનો મૃતદેહ તેમના નિવાસસ્થાનેથી મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. છેલ્લા 6 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા આ યુવા તબીબના અકાળે અવસાનથી હોસ્પિટલ સ્ટાફમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
રાજપીપળા સિવિલના યુવા તબીબનું રહસ્યમય મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ડો. હર્ષ ચૌધરી 8 મેના રોજ પોતાની નિયત ડ્યુટી પર હાજર થયા નહોતા. સાથી તબીબોએ તેમનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ચિંતાતુર સહકર્મીઓએ જ્યારે તેમના રૂમ પર જઈને તપાસ કરી, ત્યારે ડો. હર્ષ તેમના બેડ પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
મૃત્યુનું કારણ હજુ અકબંધ
તેમને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ડો. હર્ષનું મૃત્યુ કોઈ બીમારીના કારણે કુદરતી રીતે થયું છે કે પછી તેમણે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભર્યું છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ હજુ પોલીસે ખુલાસો કર્યો નથી.
પોલીસ તપાસ શરૂ
રાજપીપળા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ ડોક્ટરના મોતનું સાચું કારણ બહાર આવશે. હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરના પરિવારજનોની પૂછપરછ કરીને પોલીસ આ રહસ્યમય મોતના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: Surat: ઓલપાડના લવાછામાં SMC ના ધામા, જુગારધામ પર દરોડો પાડી 60 લાખનો મુદ્દામાલ જપ્ત, 14 શખ્સો ઝડપાયા