સુરત ગ્રામ્ય પોલીસની નાક નીચે ચાલતા ગેરકાયદેસર વ્યવસાયો પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી છે. ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં આવતા લવાછા ટેકરી વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં ચાલતા મોટા જુગારધામ પર SMC એ મોડી રાત્રે ત્રાટકીને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
મોટા પાયે ચાલતું જુગારધામ
બાતમીના આધારે SMC ની ટીમે જ્યારે લવાછા ટેકરી ખાતે રેડ કરી ત્યારે જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસને જોઈને અનેક જુગારીઓ પોતાના વાહનો મૂકીને અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી ૧૪ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે ઓલપાડ પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.
60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹4,60,120 ની રોકડ રકમ કબજે કરી છે. આ ઉપરાંત, જુગારીઓના 50 જેટલા વાહનો (ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર) મળીને કુલ 60 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આટલા મોટા પાયે જુગાર ચાલતો હોવા છતાં સ્થાનિક પોલીસને જાણ ન હોવાને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
18 શખ્સો વોન્ટેડ જાહેર
પોલીસની ગાડીઓ જોઈને જે 18 જેટલા શખ્સો પોતાના વાહનો મૂકીને ભાગી ગયા હતા, તેમની ઓળખ કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. સ્થળ પરથી મળી આવેલા વાહનોના રજીસ્ટ્રેશન નંબરના આધારે આ તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો:Godhra: રોંગ સાઈડમાં આવતી કાળમુખી સ્કોર્પિયોએ બાઈકને ઉડાવ્યું, બાઈક પર સવાર ત્રણેય મિત્રોએ જીવ ગુમાવ્યા