ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મક્કમ ડગલાં ભરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિશાળ જનસભા અને ભવ્ય રોડ શો યોજીને ભાજપના વિજયના શ્રીગણેશ કર્યા છે.
હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત અને રોડ શો
ડેડીયાપાડા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્થાનિક સાધુ-સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પુષ્પગુચ્છ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને કાર્યકરો જોડાયા હતા. રોડ શો દરમિયાન 'ભારત માતા કી જય'ના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
જૂના નેતાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા
આ જનસભા દરમિયાન ભાજપે વિપક્ષી છાવણીમાં મોટું ગાબડું પાડ્યું છે. આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર પ્રફુલ વસાવા અને કોંગ્રેસના પૂર્વ નેતા રાજ વસાવા વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. પ્રફુલ વસાવા 'આપ' તરફથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને આદિવાસી પટ્ટામાં સારું વર્ચસ્વ ધરાવે છે.રાજ વસાવા કોંગ્રેસના જૂના નેતા છે, જેમણે અગાઉ પક્ષ છોડ્યા બાદ હવે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
આદિવાસી મતો અંકે કરવાનું મેગા પ્લાનિંગ
ચૂંટણી પહેલા આદિવાસી નેતાઓનું ભાજપમાં જોડાવું એ સત્તા પક્ષ માટે મોટી જીત માનવામાં આવે છે. હર્ષ સંઘવીએ પોતાની જનસભામાં જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આદિવાસી મતોને અંકે કરવા માટે ભાજપે આ વખતે વિશેષ રણનીતિ તૈયાર કરી છે, જેના ભાગરૂપે જ આ મોટી સંખ્યામાં જોડાણો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Surat: હથોડા ગામે હુમલાખોરોને રાઉન્ડઅપ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, 21થી વધુ આરોપીઓની ધરપકડ