ડિસેમ્બર મહિનાના અંતમાં જામતી ગુલાબી ઠંડી અને નાતાલની રજાઓના માહોલમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (SOU) જોવા માટે હાલ પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. રવિવારની રજામાં અહીં 70 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, જે એક નવો વિક્રમ સૂચવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો ધસારો
નાતાલ બાદ શરૂ થયેલા આ પ્રવાસી પ્રવાહમાં અત્યાર સુધીમાં અંદાજે 3 થી 4 લાખ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. SOU તંત્રના અંદાજ મુજબ, આગામી 31 ડિસેમ્બર સુધીમાં આ આંકડો 8 લાખ સુધી પહોંચી શકે છે.
SOU તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ
પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, પ્રવાસીઓની અવરજવર માટે વધારાની બસોની સુવિધા.પીવાના શુદ્ધ પાણી અને સ્વચ્છતાની પૂરતી વ્યવસ્થા. ભીડને નિયંત્રિત કરવા અને પ્રવાસીઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત.
31st ડિસેમ્બરની ઉજવણી અને 'હાઉસફુલ' એકતા નગર
વર્ષ 2025 ના છેલ્લા દિવસોની ઉજવણી અને નવા વર્ષના આગમનને વધાવવા માટે પ્રવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરને લઈને એકતા નગરની તમામ હોટલો અને ટેન્ટ સિટીમાં અત્યારથી જ 'બુકિંગ ફૂલ' થઈ ગયું છે. પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય અને આધુનિક આકર્ષણો વચ્ચે નવા વર્ષની ઉજવણી કરવા આતુર છે.
આ પણ વાંચો:જિલ્લાના પૂર્વ પ્રમુખની પ્રદેશ કક્ષાએ વરણી, હિરેન હિરપરા બન્યા ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રમુખ