નર્મદા જિલ્લામાં વિકાસના કામોમાં 75 લાખ રૂપિયાની લાંચ માગવાના આક્ષેપે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ભાજપના પીઢ સાંસદ મનસુખ વસાવાએ સીધો આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ માતબર રકમની માગણી કરી છે. સાંસદે દાવો કર્યો છે કે તેમને આ અંગેની જાણકારી ખુદ જિલ્લા કલેક્ટર સંજય મોદીએ આપી હતી. આ ગંભીર આક્ષેપ બાદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લેવાય, તો તેઓ ભાજપ સાથે છેડો ફાડી દેશે.
કલેક્ટર પર આકરા પ્રહાર અને પક્ષ છોડવાની સાંસદની ખુલ્લી ચીમકી
સાંસદ મનસુખ વસાવાએ માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર સંજય મોદીની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કલેક્ટરને 'ડરપોક' ગણાવતા કહ્યું કે, અધિકારીઓ દબાણમાં આવીને સત્ય છુપાવી રહ્યા છે. સાંસદના મતે, જો સરકાર પોતાની જ પાર્ટીના પ્રતિનિધિઓની રજૂઆત પર ધ્યાન નહીં આપે અને ભ્રષ્ટાચારને છાવરશે, તો તેમને પક્ષમાં રહેવામાં કોઈ રસ નથી. આ નિવેદને ભાજપ સંગઠનમાં દોડધામ મચાવી દીધી છે, કારણ કે મનસુખ વસાવા આદિવાસી પટ્ટામાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે.













