જિલ્લામાં મિલકત વિરોધી ગુનાઓ અટકાવવા માટે એક્શનમાં આવેલી નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. બાંધકામ સાઇટ પરથી લોખંડના સળિયાની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને પોલીસે બાતમીના આધારે દસેરા ટેકરી વિસ્તારમાંથી દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક શખ્સ અગાઉ 27 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.


લોખંડના સળિયાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

નવસારી LCBનો સ્ટાફ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે કોન્સ્ટેબલ અર્જુન અને વિજયને ચોક્કસ બાતમી મળી હતી કે દસેરા ટેકરી પાસે કેટલાક શખ્સો ચોરીના મુદ્દામાલ સાથે પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને કોર્ડન કર્યા હતા. તેમની તલાશી લેતા ૯ પ્લાસ્ટિકની થેલીઓમાંથી ૧૩૦ કિલો લોખંડના સળિયા (કિંમત રૂ. ૬૫૦૦) મળી આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ

1. પ્રકાશ નાગજીભાઈ પટેલ (રહે. ગોલવાડ, નવસારી) – જેની સામે 27 ગુના નોંધાયેલા છે. 2. પ્રહલાદ નટવરભાઈ દંતાણી (રહે. શહીદ ચોક, નવસારી) 3. કમલેશ વિરજીભાઈ દેવીપુજક (રહે. શહીદ ચોક, નવસારી) પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેમણે ગત 23 અને 24 ડિસેમ્બરની મધરાત્રે લુન્સીકુઈ ગ્રાઉન્ડ સામે આવેલી પુષ્પક સોસાયટીમાં ચાલતા એક નવા મકાનના બાંધકામની સાઇટને નિશાન બનાવી હતી અને ત્યાંથી આ સળિયાની ચોરી કરી હતી.

આ પણ વાંચો: ગાંભોઈ ઓવરબ્રિજ પર અકસ્માત, કારની ટક્કરે બેરણાના આધેડનું મોત

  • Follow us on: