રાજ્ય સરકારના GCAS પોર્ટલની ખામીઓને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના વિરોધમાં આજે નવસારીમાં ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોર્ટલની વારંવારની નિષ્ફળતા અને એડમિશન પ્રક્રિયામાં થતી હાલાકીને લઈને વિદ્યાર્થી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
રસ્તો બ્લોક અને પોલીસ કાર્યવાહી
ABVPના કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગ પર બેસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તો બ્લોક કરી દીધો હતો. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો પોતાની માગ પર અડગ રહેતા અંતે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થી કાર્યકરોની ટીંગાટોળી કરી તેમને રસ્તા પરથી દૂર કર્યા હતા અને અનેક કાર્યકરોની ડિટેન કરી અટકાયત કરવામાં આવી હતી.










