નવસારી જિલ્લામાં 'ગુરુજી'નું એક શરમજનક કૃત્ય સામે આવ્યું છે, જ્યાં શિક્ષણની ગરિમા લજવાઈ છે. જલાલપોર તાલુકાના સિમલક ગામની એક શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેના શિક્ષકે ઢોર માર માર્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. શિક્ષકે વિદ્યાર્થીને એટલો માર માર્યો છે કે તેના આખા શરીર પર સોજા આવી ગયા છે.
હોસ્પિટલે પહોંચ્યો વિદ્યાર્થી
એટલું જ નહીં, વિદ્યાર્થીના હાથ પર ઈજાના સ્પષ્ટ નિશાન પણ જોવા મળી રહ્યા છે, જે શિક્ષકની ક્રૂરતા દર્શાવે છે. વિદ્યાર્થીના વાલીઓ અને સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે. ચિંતાની વાત એ છે કે, જિલ્લામાં વિદ્યાર્થીને માર મારવાની આ ત્રીજી ગંભીર ઘટના નોંધાઈ છે, જે શિક્ષણ જગતમાં શિસ્તના નામે થતી હિંસા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. તંત્ર દ્વારા આ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
