રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરાજી રોડ વિસ્તારમાં મહિલાઓએ સંગઠિત થઈને દારૂના અડ્ડાઓ સામે લાલ આંખ કરી છે. ચામુંડા નગર વિસ્તારમાં એક મહિલા બુટલેગરના દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓએ જનતા રેડ પાડીને ખળભળાટ મચાવી દીધો હતો. સ્થાનિક મહિલાઓ છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના આ અડ્ડાથી પરેશાન હતી, જેના કારણે તેમણે કાયદો હાથમાં લીધા વગર સફળતાપૂર્વક રેડ કરી હતી.
દારૂનો અડ્ડો ચલાવનારની ખેર નહીં
મહિલાઓએ સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મહિલાઓના આ સાહસિક પગલા બાદ, જેતપુર પોલીસે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલા બુટલેગરની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી દારૂનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને મહિલાઓના આ પગલાને બિરદાવવામાં આવી રહ્યું છે.













