દક્ષિણ ગુજરાતના નવસારી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર આજે એક લક્ઝરી બસ પલટી જવાની ઘટના સામે આવી છે. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસને નવસારીના સિસોદરા (આરક) ગામ નજીક અકસ્માત નડ્યો હતો. અન્ય એક વાહનને બચાવવાના પ્રયાસમાં બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ હાઈવે પર જ પલટી ખાઈ ગઈ હતી.
નવસારી નેશનલ હાઈવે પર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી બસ મુંબઈથી મુસાફરો ભરીને અમદાવાદ તરફ જઈ રહી હતી. જ્યારે બસ નવસારીના સિસોદરા નજીક પહોંચી ત્યારે અચાનક કોઈ અન્ય વાહન બસની આડે આવી ગયું હતું. આ વાહનને બચાવવા માટે બસ ચાલકે અચાનક બ્રેક મારી કાપ માર્યો હતો, જેના કારણે બસ સંતુલન ગુમાવી બેઠી હતી અને રોડ પર પલટી મારી ગઈ હતી.
ઘટનામાં 5 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ
અકસ્માત સમયે બસમાં અનેક મુસાફરો સવાર હતા. આ ઘટનામાં 5 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ દોડી આવી મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી.
પોલીસ કાર્યવાહી અને ટ્રાફિક
હાઈવે પર બસ પલટી જવાથી વાહનોની અવરજવરમાં અડચણ ઉભી થઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી પલટી ગયેલી બસને હટાવીને હાઈવે સાફ કરાવ્યો હતો અને ટ્રાફિક રાબેતા મુજબ કાર્યરત કર્યો હતો.
આ પણ વાંચો: Surat: જહાંગીરપુરાની જાનકી રેસીડેન્સીમાં મેન્ટેનન્સ મુદ્દે હુમલો, ડોક્ટરે હથોડા વડે યુવાન પર કર્યો જીવલેણ હુમલો