કેનેડાથી વતનની મુલાકાતે આવેલા એક વૃદ્ધા માટે તેમની યાત્રાનો પ્રારંભ જ એક કડવો અનુભવ બની રહ્યો હતો. મુંબઈ એરપોર્ટથી નવસારી આવવા માટે તેમણે જે ટેક્સી ભાડે કરી હતી, તેનો ડ્રાઈવર જ તેમના 4500 કેનેડિયન ડોલરની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. પરંતુ, નવસારીની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે આ 'ડોલરિયો ચોર'ને ઝડપી પાડીને વૃદ્ધાને મોટી રાહત આપી છે.
4500 કેનેડિયન ડોલરની ચોરી
પ્રાપ્ત માહિતી અનુસાર, કેનેડાથી આવેલી વૃદ્ધા નવસારી તરફ આવી રહ્યા હતા. તેમની પાસેના 4500 કેનેડિયન ડોલરની ચોરી થતાં તેમણે તાત્કાલિક ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આંતરરાષ્ટ્રીય ચલણની મોટી રકમની ચોરીનો આ ગંભીર ગુનો નોંધાતા જ LCBની ટીમ સક્રિય બની હતી.
ડ્રાઈવર જયસિંહ પીપલોદે જ આ ચોરીનો મુખ્ય આરોપી
LCBએ ચોરીની ઘટનાના તાર જોડવાનું શરૂ કર્યું અને તપાસનો ધમધમાટ મુંબઈ એરપોર્ટથી નવસારી સુધીની સફર પર કેન્દ્રિત કર્યો. પોલીસે ટેક્સીની વિગતો અને ડ્રાઈવરની ઓળખ માટે કવાયત હાથ ધરી. આ ઊંડાણપૂર્વકની તપાસમાં આશ્ચર્યજનક હકીકત સામે આવી કે જે ટેક્સી પર વિશ્વાસ મૂકીને વૃદ્ધાએ પ્રવાસ કર્યો હતો, તે ટેક્સીનો ડ્રાઈવર જયસિંહ પીપલોદે જ આ ચોરીનો મુખ્ય આરોપી હતો.
LCBની ટીમે તાત્કાલિક ચક્ર ગતિમાન કરીને આ ટેક્સી ડ્રાઈવર ચોર જયસિંહ પીપલોદેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરાયેલા ડોલરમાંથી 3,100 કેનેડિયન ડોલર કબજે કરવામાં સફળતા મેળવી છે. બાકીના ડોલર તેણે ક્યાં વાપર્યા તેની વધુ તપાસ ચાલી રહી છે.
નવસારી પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા
નવસારી LCBની આ સમયસર અને સચોટ કાર્યવાહીને કારણે વૃદ્ધાના વિદેશી ચલણની મોટી રકમ પરત મળી છે, જેનાથી નવસારી પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે. આ ઘટનાએ એ વાત ફરી સાબિત કરી છે કે મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી કેટલી જરૂરી છે. જોકે, નવસારી LCBએ આ કેસને ઉકેલીને ઝડપી ન્યાય અપાવ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો