નવસારીના લુન્સકૂઇ નજીક એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માત બાઇક અને કાર વચ્ચે થયો હતો, જેમાં બાઇક પર સવાર બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક હોસ્પિટલમાંથી બહાર નીકળી રહેલી કાર સાથે પૂરપાટ ઝડપે હંકારી રહેલું બાઇક ધડાકાભેર અથડાયું હતું.
બન્ને ઈજાગ્રસ્ત યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને યુવાનો હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ દૃશ્યો જોઈને કોઈનું પણ હૃદય ધબકારો ચૂકી જાય તેવા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના જોખમને ફરી એકવાર ઉજાગર કરે છે. પોલીસે અકસ્માતની આ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













