નવસારીના ઉનાઈમાં રામભક્તો રામ માટે ધરણાં પર બેઠા હતાં. વાંસદાના યાત્રાધામ ઉનાઈ મંદિરમાં રામભક્તોએ ધરણાં કર્યા હતાં. બે વર્ષ અગાઉ મુખ્યમંત્રી દ્વારા મંદિરના જિર્ણોદ્ધાર માટે ખાત મૂહૂર્ત કર્યું હતું તેમ છતાં તેનું કામ ટલ્લે ચડ્યું છે. કામમાં વિલંબ થતાં જ રામભક્તો મંદિર પરિસરમાં ભેગા થયા હતાં અને રામધૂન બોલાવીને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ભાગવાન રામ સાથે સીધો સંબંધ ધરાવતા સ્થાનમાં ભગવાન રામની ઉપેક્ષા થતાં જ ભક્તોની લાગણી દુભાઈ હતી. આ બાબતે હવે સાંસદ ધવલ પટેલ મેદાનમાં ઉતર્યા છે અને મંદિરના જિર્ણોધ્ધાર માટે તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.


સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ને પત્ર લખી કરી હતી રજૂઆત

ઉનાઈ રામ મંદિર જીર્ણોધ્ધાર માટે સાંસદ ધવલ પટેલે આઠમી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆત બાદ મંદિરના જિર્ણોદ્ધારની કામગીરી આગળ વધી છે. પૌરાણિક મંદિરના જિર્ણોદ્ધાર માટે માપણી થઈ ગઈ હોવાનો સુત્રોએ દાવો કર્યો છે. આ માટે બજેટ પણ વધારવામાં આવશે તેવો દાવો કરાયો છે. જર્જરિત થયેલા રામ મંદિરને ભવ્ય મંદિર બનાવવાનુ આયોજન કરાશે.

સ્થાનિકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો

નવસારી જિલ્લાના યાત્રાધામ ઉનાઈમાં ઐતિહાસિક રામ મંદિરના જિર્ણોધ્ધારને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે વર્ષ પહેલા આ મંદિરના જિર્ણોદ્ધાર માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું. તે છતાંય કામ ચાલુ નહીં થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. આજે સ્થાનિકોએ ભેગા થઈને મંદિરમા રામધૂન બોલાવી ધરણાં પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 2022માં 18મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ અહીં ખાતમૂહૂર્ત કર્યું હતું. બ વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં આ ઐતિહાસિક મંદિર હજી જર્જરિત હાલતમાં છે. તંત્રની ઉદાસિનતાને પગલે સ્થાનિકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

મંદિર પરિસરમાં રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો

વાંસદામાં ઉનાઈ મંદિરનું વિશેષ મહત્વ છે. માતાજીના મંદિરની પાસે જ ભગવાન શ્રી રામનું મંદિર ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, ભાજપની સરકારના શાસનમાં રામ મંદિર માટે આંદોલન કરવું પડે તે ગંભીર બાબત છે. તાત્કાલિક આ મંદિરમાં જિર્ણોધ્ધારનું કામ ચાલુ કરવામાં આવે તેવી અમારી માગ છે. આજે વહેલી સવારથી જ સ્થાનિકો દ્વારા મંદિર પરિસરમાં રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો. લેખિતમાં ખાતરી નહીં મળે ત્યાં સુધી ભુખ હડતાળ અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.

આ પણ વાંચોઃ Mehsana News: ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મૉડલ



  • Follow us on: