નવસારી જિલ્લાના વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ફરી વિવાદોમાં સપડાયા કે શું ! એક જાહેર સભામાં પોલીસને ખુલ્લેઆમ ધમકી આપતા ધારાસભ્યના તાર હવે એક નામચીન બુટલેગર સાથે જોડાયેલા હોવાના પુરાવા સામે આવતા રાજકારણ ગરમાયું છે.
પોલીસના પટ્ટા ઉતારી લઈશું તેવું ધારાસભ્ય અનંત પટેલે જાહેરમંચ પરથી કહ્યું હતુ
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કે જે યુવા ચહેરો છે અને વાંસદામાં તેમનું લોકો માને છે તેવું પણ છે, પણ આ પાછળની સત્યતા અલગ છે, પોલીસે એક બુટલેગરને ઝડપ્યો છે અને તેની સામે ગુનો પણ નોંધ્યો છે, જોકે આ બધામાં એવું પણ સામે આવ્યું છે કે, ઝડપાયેલ બુટલેગર અભિ કે જે અનંત પટેલનો નજીકનો માણસ ગણાય છે અને અનંત પટેલ સાથે તેણે ફોન પર વાત રેગ્યુલર કરતો હોવાની કોલ ડિટેઈલ્સ પણ સામે આવી છે, ત્યારે દારૂ અને ડ્રગ્સને લઈ મોટેથી બણગો ફૂંકનાર અનંત પટેલ આ બુટલેગર સાથે ગહેરો સબંધ ધરાવે છે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
નામચીન બુટલેગર અભિષેક ઉર્ફે અભલો સાથેના ધારાસભ્યના કથિત સંબંધોનો પર્દાફાશ ?
ઝડપાયેલ બુટલેગરની વાંસદા પોલીસ તપાસ કરી તો તેની કોલ ડિટેઈલ્સમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં બુટલેગરે મહિનામાં 29 વખત અનંત પટેલ સાથે વાત કરી છે, તો એક બે કોલ એવા છે કે જેમાં અનંત પટેલે પણ બુટલેગરને કોલ કર્યો છે. તો જે રીતની કોલ ડિટેઈલ્સ છે તેને લઈ સવાલ ઉભા થયા છે કે, આ વાત દારૂને લઈને હતી કે પછી જનસેવા માટેની હતી તેને લઈ ચર્ચાએ જોર પકડયું છે, તો સ્થાનિક ભાજપના નેતાઓએ પણ આ બાબતને લઈ સવાલો ઉભા કર્યા છે.
બુટલેગર અભિષેકનો ધારાસભ્ય અનંત પટેલની કાર સાથેનો ફોટો વાયરલ થયો
તો કોલ ડિટેઈલ્સ તો છે સાથે સાથે બુટલગેરનો એક ફોટો પણ વાયરલ થયો છે, જેમાં અનંત પટેલની કાર છે અને તેમાં બોર્ડ મૂકેલું છે, ધારાસભ્ય ગુજરાત અને તે સાથેનો પોટો વાયરલ થયો છે, આ ફોટો સ્પષ્ટ કરે છે કે બુટલેગરને ધારાસભ્યના વર્તુળમાં સરળ એન્ટ્રી હતી, એક તરફ પોલીસને ઈમાનદારીના પાઠ ભણાવવા અને બીજી તરફ ગુનેગારો સાથે રોજિંદો સંપર્ક રાખવો- શું આ કોંગ્રેસી ધારાસભ્યનો અસલી ચહેરો છે? મહિનામાં 29 વાર વાતચીત કરવી એ સામાન્ય બાબત નથી.
શું ધારાસભ્ય બુટલેગરોને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે પોલીસથી બચાવી રહ્યા છે?
બુટલેગર ઝડપાયો જેના કારણે અનંત પટેલને પણ છાંટા ઉડયા છે અને જે નેતા દારૂબંધીના નામે પોલીસને ટાર્ગેટ કરતા હતા, તેઓ જ હવે બુટલેગર સાથેના 'કનેક્શન'માં ઘેરાયા છે ! હવે જોવાનું એ રહે છે કે, ધારાસભ્ય અનંત પટેલ આ 29 કોલ અને વાયરલ ફોટા અંગે શું સ્પષ્ટતા કરે છે. જોકે આ મામલે ધારાસભ્ય અનંત પટેલની કોઈ પ્રતિક્રિયા હજી સુધી આવી નથી.
આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે