નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચએ એક અશક્ય લાગતા મિશનને પાર પાડીને કાયદાના લાંબા હાથનો પરિચય કરાવ્યો છે. વર્ષો પહેલા નવસારી સબજેલમાંથી ફિલ્મી ઢબે ફરાર થયેલા અને ધાડ, લૂંટ તથા આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે 25 વર્ષ બાદ હરિયાણાથી દબોચી લીધો છે. ઘટનાની વિગત એવી છે કે 25 વર્ષ પહેલા આ આરોપી નવસારી સબજેલના બાથરૂમની બારીના સળિયા કાપીને નાસી છૂટ્યો હતો.
નવસારી સબજેલમાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયો
મૂળ ઉત્તર પ્રદેશનો આ શખ્સ એટલો શાતિર હતો કે તેણે અઢી દાયકા સુધી દેશના જુદા જુદા રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને પોલીસને થાપ આપી હતી. તેની સામે ચોરી અને લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આરોપી હરિયાણામાં હોવાની ચોક્કસ બાતમી મળતા નવસારી LCBની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે, આરોપી ઓળખાઈ ન જાય તે માટે પોલીસે અનોખી વ્યૂહરચના અપનાવી હતી.













