નવસારી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના રીંગરોડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ એક યુવાનની હત્યા કરી નાખતા ભય અને ગમગીનીનો માહોલ ફેલાયો છે.
નવસારીમાં જન્મદિવસની રાત્રે જ ખેલાયો ખૂની ખેલ
મળતી માહિતી મુજબ, મૃતક યાસીન મેમણ તેના મિત્રો સાથે રીંગરોડ વિસ્તારમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક કારમાં ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. કારમાંથી ઉતરેલા હુમલાખોરોએ કાંઈ પણ સમજાય તે પહેલા યાસીન પર ચપ્પુ વડે આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
સારવાર દરમિયાન મોત
હુમલાખોરો યાસીનને લોહીલુહાણ હાલતમાં મૂકીને પોતાની કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યાસીનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ નસીબજોગે ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. જન્મદિવસની રાત્રે જ યુવાનના મોતના સમાચારથી તેના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ નવસારી ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હુમલાખોરો કોણ હતા અને હત્યા પાછળનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: Chhotaudepur: નાની રાસલી ગામે કૂવામાં ખાબકેલી માદા દીપડીનું વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ