નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરતા નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનારા શખ્સને ઝડપી પાડ્યો છે. વાંસદા વિસ્તારમાંથી ચીખલીના રહેવાસી જીગર પટેલ નામના ઇસમને 59 જેટલા નકલી લાયસન્સ સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી જીગર પટેલ તેના મોબાઈલમાં 'પિક્સ આર્ટ' (PicsArt) નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી લાયસન્સ તૈયાર કરતો હતો.
SOGએ બાતમીના આધારે હાથ ધરી હતી કાર્યવાહી
તે અસલી લાયસન્સના નામે ભોળા નાગરિકો પાસેથી 4થી 5 હજાર રૂપિયા વસૂલતો હતો. લાયસન્સ એડિટ કર્યા બાદ તે ઝેરોક્ષની દુકાને જઈને PVC કાર્ડ પર પ્રિન્ટ કઢાવી લોકોને પધરાવી દેતો હતો. લોકોને એવો ભાસ થતો કે આ લાયસન્સ RTO દ્વારા જ ઈસ્યુ કરવામાં આવ્યું છે. SOG ની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને જીગરની અટકાયત કરી હતી. તેની પાસેથી મળી આવેલા લાયસન્સના જથ્થાનું જ્યારે RTO માં વેરિફિકેશન કરાવવામાં આવ્યું, ત્યારે તમામ લાયસન્સ બોગસ હોવાનું સાબિત થયું હતું.













