સોશિયલ મીડિયામાં ફેમસ થવાના મોહમાં આજકાલના યુવાનો પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો નવસારીના ચિખલીમાં સામે આવ્યો હતો, જ્યાં એક યુવક ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. જોકે, આ સ્ટંટ તેને ભારે પડ્યો છે અને હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો
છેલ્લા કેટલાક દિવસોથી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં ગણદેવા-ટાંકલ રોડ પર એક યુવક ભારે ટ્રેક્ટર-ટ્રોલી સાથે અત્યંત બેદરકારીપૂર્વક અને જોખમી રીતે ડ્રાઇવિંગ કરતો અને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. ટ્રાફિકથી ભરચક રોડ પર આ પ્રકારનું જોખમી ડ્રાઇવિંગ કોઈ મોટી દુર્ઘટના નોતરી શકે તેમ હતું.










