નવસારી જિલ્લાના ચીખલી નેશનલ હાઈવે પર આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. મહારાષ્ટ્રના ભીવંડીથી ભરેલી અને અંકલેશ્વર જઈ રહેલી એક આઈસર ગાડીમાં અચાનક ધુમાડા નીકળતા હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ગાડીમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાથી વિસ્ફોટનો ભય પણ સતાવી રહ્યો હતો.

ચીખલી પાસે કેમિકલ ભરેલી આઈસરમાં આગ

મહારાષ્ટ્રથી અંકલેશ્વર તરફ જઈ રહેલી આ આઈસર ગાડીમાં 'કાર્બન ડાયસલ્ફાઈડ' નામનું અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું હતું. નેશનલ હાઈવે પર ચાલુ ગાડીએ અચાનક કેબિન કે બોડીના ભાગેથી ધુમાડા નીકળતા ડ્રાઈવર સતર્ક થઈ ગયો હતો. સમયસૂચકતા વાપરીને ડ્રાઈવર ગાડીને સુરક્ષિત રીતે ચીખલી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે લઈ આવ્યો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ ચીખલી અને ગણદેવી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. કેમિકલ હોવાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Vadodara: SSG રોડ પર નશામાં ધૂત યુવતીનો હોબાળો, મહિલા પોલીસ સાથે ઝપાઝપી બાદ પોલીસે કરી અટકાયત