વડોદરામાં ફરી એકવાર નશામાં ધૂત યુવતીના હંગામાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા SSG રોડ પર એક યુવતીએ નશાની હાલતમાં ભારે હોબાળો મચાવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અંદાજે અડધા કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામામાં યુવતીએ પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
નશામાં ધૂત યુવતીએ ઝપાઝપી કરી
મળતી માહિતી મુજબ, SSG રોડ પર એક યુવતી નશાની હાલતમાં રસ્તા પર ઉતરી આવી હતી અને આવતા-જતા લોકો સાથે માથાકૂટ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યારે મહિલા પોલીસ કર્મચારીઓએ યુવતીને શાંત પાડવાનો અને તેને ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે યુવતી વધુ ઉશ્કેરાઈ ગઈ હતી. નશામાં ધૂત યુવતીએ મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસની કામગીરીમાં રૂકાવટ ઊભી કરી હતી.
