નવસારી જિલ્લાના સાદકપોર ગામે મોડી રાત્રે એક દીપડો અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો. જોકે, આ અંગેની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું અને દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.


નવસારીમાં કૂવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના સાદકપોર ગામમાં મોડી રાતના સમયે એક દીપડો ભૂલથી અથવા શિકારની શોધમાં ફરતા કૂવામાં પડી ગયો હતો. દીપડાના કૂવામાં પડવાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.વન વિભાગની ટીમ તરત જ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. મોડી રાત હોવા છતાં, ટીમે દીપડાને બહાર કાઢવા માટે જટિલ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમે કૂવામાં પાંજરું નીચે ઉતાર્યું હતું અને ખૂબ જ સાવધાનીપૂર્વક દીપડાને પાંજરામાં પૂરી દીધો હતો. ત્યારબાદ દોરડાની મદદથી દીપડા સાથેના પાંજરાને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

મોડી રાતે કૂવામાં પડેલા દીપડાને બહાર કાઢ્યો

દીપડાના રેસ્ક્યૂ ઓપરેશનને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાને કૂવામાંથી બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. સફળ રેસ્ક્યૂ બાદ વન વિભાગે દીપડાને જરૂરી સારવાર અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરી છે, જેથી તેની તબિયતની તપાસ કરી શકાય અને પછી તેને સુરક્ષિત વન વિસ્તારમાં મુક્ત કરી શકાય. વન વિભાગની આ ઝડપી અને સમયસરની કાર્યવાહી ખૂબ જ પ્રસંશનીય રહી છે.

આ પણ વાંચો: પુણા પોલીસની મોટી સફળતા, 13.95 લાખની છેતરપિંડીનો આરોપી 8 વર્ષે ઝડપાયો


  • Follow us on: