નવસારી જિલ્લાના બીલીમોરામાં તસ્કરો હવે બેખોફ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના વખારીયા બંદર રોડ પર આવેલા સાગરદર્શન એપાર્ટમેન્ટમાં શનિવારે ધોળે દિવસે તસ્કરોએ ત્રાટકીને ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડ રકમ સહિત કુલ 88,000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.


બીલીમોરામાં તસ્કરો હવે બેખોફ બન્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, ચોરીની આ ઘટના શનિવારે (03/01/2026) બપોરે 4:00 થી 5:30 વાગ્યાના ગાળામાં બની હતી. જ્યારે રહીશો કામકાજ અર્થે બહાર હતા, ત્યારે તસ્કરોએ સુમસામ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. ચોથા માળે રહેતા નરેશભાઈના બંધ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. કબાટમાંથી 5 ગ્રામની સોનાની બુટ્ટી અને 5 ગ્રામની સોનાની વીંટી (કિંમત ₹60,000) તથા ₹8,000 રોકડાની ચોરી કરી હતી. બીજા માળે રહેતા મહેશકુમારના ફ્લેટ નં. 207નું તાળું તોડી તસ્કરોએ અંદરથી ₹20,000 રોકડાની ચોરી કરી હતી. આ ઉપરાંત એપાર્ટમેન્ટના અન્ય બે ખાલી મકાનોના પણ તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બીલીમોરા પોલીસ કાફલો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ રાત્રે બીલીમોરા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. નરેશભાઈ ગોહીલની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બીલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

આ પણ વાંચો:લક્કડવેરા નેશમાં રસોડાની પાછળ થતું હતું ગાંજાનું વાવેતર, 25 હજાર ફોલોઅર્સ ધરાવતો 'બાપુમીયા' ઝડપાયો

  • Follow us on: