નવસારીમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા આજે એક મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના દુધિયા તળાવથી છાપરા રોડ સુધીના મુખ્ય માર્ગો પર વર્ષોથી જમાવી રાખેલા ગેરકાયદે દબાણોને મનપાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યા હતા.
ટ્રાફિકથી મુક્તિ માટે મનપાના 'હથોડા'
શહેરમાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવસારી મનપાએ કમર કસી છે અને મુખ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી શરૂ કરી છે. મનપાની ટીમે આજે જેસીબી અને અન્ય સાધનો સાથે સ્થળ પર પહોંચીને દુકાનોના ઓટલા, શેડ અને રોડ પર નડતરરૂપ અન્ય બાંધકામોને તોડી પાડ્યા હતા.










