વડોદરા જિલ્લાના પાદરા નગરમાં આવેલી સરકારી હોસ્પિટલની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે. આજે હોસ્પિટલના દાંતના વિભાગમાં અચાનક છત પરથી પોપડા પડવાની ઘટના બની હતી. આ અકસ્માત સમયે તબીબ અને દર્દીઓ ત્યાં હાજર હોવા છતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટનાએ આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીનો ભાંડો ફોડી દીધો છે.
હોસ્પિટલનું મકાન લાંબા સમયથી જર્જરિત
મળતી માહિતી મુજબ, પાદરા સરકારી હોસ્પિટલનું મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. આજે સવારે જ્યારે દાંતના વિભાગમાં દર્દીઓની તપાસ ચાલી રહી હતી, ત્યારે અચાનક છત પરથી સિમેન્ટના મોટા પોપડા અને ગાબડા નીચે પડ્યા હતા. અચાનક થયેલા આ અકસ્માતથી હોસ્પિટલમાં હાજર સ્ટાફ અને દર્દીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે પોપડા કોઈના માથા પર ન પડતા તબીબ અને દર્દીઓનો ચમત્કારિક બચાવ થયો હતો.










