બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મૃતક યુવક મેડિકલનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળતા શૈક્ષણિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


પાલનપુરમાં મોડી રાત્રે હિટ એન્ડ રન

પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવી પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

મેડિકલ કોલેજનો હતો વિદ્યાર્થી

મૃતક યુવકની ઓળખ વિધિ કરતા જાણવા મળ્યું છે કે તે પાલનપુરના મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ભવિષ્યમાં ડોક્ટર બની સેવા કરવાનું સપનું જોનારા આશાસ્પદ યુવાનનું અકાળે અવસાન થતાં તેના પરિવાર અને કોલેજના મિત્રોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.ઘટનાની જાણ થતા જ પાલનપુર પશ્ચિમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: Vadodara: માંજલપુર અપમૃત્યુ કેસ, પોલીસે ઈજારો ધરાવનાર મહિલા સંચાલિકાની કરી ધરપકડ

  • Follow us on: