વડોદરાના માંજલપુર વિસ્તારમાં થોડા સમય અગાઉ ડ્રેનેજ લાઈનના મેનહોલમાં પડી જવાથી એક નિર્દોષ યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ, માંજલપુર પોલીસે જવાબદાર એજન્સીના સંચાલિકાની ધરપકડ કરીને ન્યાયિક કાર્યવાહી તેજ કરી છે.


માંજલપુર અપમૃત્યુ કેસ

માંજલપુર પાણીની ટાંકી પાસે આવેલી ડ્રેનેજ લાઈનનો મેનહોલ ખુલ્લો હોવાથી અથવા જોખમી હોવાને કારણે વિપુલસિંહ ઝાલા નામનો યુવક તેમાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ અપમૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી હતી.

એજન્સીના સંચાલિકાની ધરપકડ કરી

માંજલપુર પોલીસે આ કેસમાં ઊંડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ડ્રેનેજની જાળવણીનો ઈજારો (કોન્ટ્રાક્ટ) 'ઇકો ફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસ' પાસે હતો. એજન્સી દ્વારા યોગ્ય સુરક્ષા તકેદારી ન રખાતા આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. જેના આધારે પોલીસે એજન્સીના સંચાલિકા ઊર્મિ શર્માની ધરપકડ કરી છે.

કોર્પોરેશનના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં

પોલીસે આ મામલે માત્ર એજન્સી જ નહીં, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓના પણ નિવેદનો નોંધ્યા છે. ડ્રેનેજ લાઈનની કામગીરી પર સુપરવિઝન કરવામાં કોની બેદરકારી હતી, તે અંગે પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

 આ પણ વાંચો: Ahmedabad: મોબાઈલ ચોરતી ઝારખંડની ગેંગનો પર્દાફાશ, LCBએ બે આરોપીઓને દબોચ્યા


  • Follow us on: