પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતે દારૂ બંધી માટે મોટો નિર્ણય કર્યો છે.ગામમાં જો કોઈ વ્યક્તિ દારૂ ગાળવા કે દારૂનું વેચાણ કરે તો પંચાયત દ્વારા મળતી સેવાઓ અને યોજનાઓ બંધ કરી દેવાનો નિર્ણય કરતા હડકંપ મચ્યો છે.
ગ્રામ પંચાયતને કડક નિર્ણયો લેવા મજબૂર બનવું પડ્યું
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે આવી વાતો તો તમે લોકોના મુખે સાંભળી હશે પરંતુ એ જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કરવા માટે ગ્રામ પંચાયતને કડક નિર્ણયો લેવા મજબૂર બનવું પડ્યું છે. પાલનપુર તાલુકાના છેવાડે આવેલું અને ટ્રાયબલ વસ્તી ધરાવતું છાપરા ગામની પંચાયતે દારૂ બંધી માટે કડક નિયમ કરવા પડ્યા છે. છાપરા ગામ કે જે ગામમાં 5000 જેટલી વસ્તી છે. મુખ્યત્વે ખેતીનો વ્યવસાય છે. જોકે ગામના કેટલાક શ્રમિક પરિવારો છે જે પરિવારો આસપાસના વિસ્તારમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગામના યુવા સરપંચને કડક નિર્ણય કરવા માટે આગળ આવવું પડ્યું
જો કે ગામના લોકો અને ગામના સરપંચના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ગામમાં દારૂની બદીને કારણે અનેક યુવાનો નાની વયમાં જ મોતને ભેટ્યા છે.અનેક સ્ત્રીઓ યુવાની વયમાં વિધવા બની છે.જોકે ગામમાં દારૂની બદી એટલી વધી કે ગામના યુવાનોમાં શિક્ષણનું સ્તર ઘટ્યું. દારૂની બદીને કારણે કથળેલી ગામની આ સ્થિતિને જોતા હવે ગામના યુવા સરપંચને કડક નિર્ણય કરવા માટે આગળ આવવું પડ્યું છે. છાપરા ગ્રામ પંચાયત દ્વારા એક નિર્ણય કરાયો છે કે ગામમાં જો કોઈ વ્યક્તિ દારૂ ગાળશે.. કે પછી દારૂનું વેચાણ કરશે... તો પંચાયત દ્વારા તે વ્યક્તિને મળતા પંચાયતના તમામ લાભ બંધ કરી દેવાશે... તો સાથે જ એ વ્યક્તિ જે વિસ્તારમાં રહેતો હશે તે વિસ્તારને મળતી વિકાસની ગ્રાન્ટો પણ અટકાવી દેવાશે...
ગ્રામજનોનો પણ ટેકો
ગામની સ્ત્રીઓ હોય કે યુવાનો તમામ લોકોનું માનવું છે કે ગામમાં દારૂનું દુષણ વધ્યું છે અને તેના કારણે ગામને ખૂબ જ નુકસાન થયું છે. ગામના ઘણા છોકરાઓ દારૂ પીને ઝગડાઓ કરી મોતને ભેટ્યા છે. ત્યારે હવે સરપંચ દ્વારા દારૂબંધી માટે જે નિર્ણય કરાયો છે તેમાં ગામની સ્ત્રીઓ સહિત કેટલાક યુવાનો પોતાનો સુર પુરાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગામમાંથી દારૂબંધી થવી જ જોઈએ....જો કે ગ્રામ પંચાયતએ કડક નિર્ણય બનાવી દારૂ બંધી કરવા માટે બીડું ઝડપ્યું છે ત્યારે ગામ લોકોનું માનવું છે કે પંચાયતના આ નિર્ણયથી ગામમાં દારૂ બંધી થશે અને ગ્રામજનો સુખીરૂપ જીવન નિર્વાહ કરી શકશે.
આ પણ વાંચો---- Junagadh News : જૂનાગઢમાં જાહેર પ્લોટ પર પાણીની ટાંકી બનાવતા સ્થાનિકોમાં રોષ, સ્થાનિકોનો આક્ષેપ, અમારી કોઈ મંજૂરી લેવામાં આવી નથી