બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોર્ટ સંકુલને શહેરની બહાર ખસેડવાના નિર્ણયને લઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. જોરાવર પેલેસ સંકુલમાં આવેલી ઐતિહાસિક કોર્ટ કચેરીને ત્યાંથી સાત કિલોમીટર દૂર જગાણા નજીક ખસેડવાની તજવીજ સામે વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા પ્રતીક ધરણા છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આજે પાલનપુર બાર એસોસિયેશન દ્વારા શક્તિ પ્રદર્શન સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી.

રેલીમાં ઉમટ્યું વકીલોનું ઘોડાપૂર

આજે યોજાયેલી આ રેલીમાં માત્ર વકીલો જ નહીં પરંતુ શહેરના વિવિધ સામાજિક સંગઠનો અને નાગરિકો પણ જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં વકીલોએ સૂત્રોચ્ચાર કરી કોર્ટને જોરાવર પેલેસ સંકુલમાં જ રાખવાની માંગ બુલંદ કરી હતી. વકીલોની દલીલ છે કે કોર્ટને શહેરથી દૂર લઈ જવાથી પક્ષકારો, અસીલો અને વકીલોને ભારે હાલાકી ભોગવવી પડશે.

આંદોલન તેજ કરવાની ચીમકી

બાર એસોસિયેશનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાય દિવસોથી શાંતિપૂર્ણ રીતે ધરણા કરી રહ્યા છીએ, પરંતુ અમારી માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જો આગામી દિવસોમાં કોર્ટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

રેલીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વકીલોની આ રેલીને પગલે પાલનપુરના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ લડત હવે માત્ર વકીલો પૂરતી મર્યાદિત ન રહેતા જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવું જણાય છે.


આ પણ વાંચો---    Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!