બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ વધતા જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી અને સ્થાનિક પોલીસને પેટ્રોલીંગ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ વધારવા કડક આદેશો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ના પીઆઇ અને તેમની ટીમને એક મહત્વની કડી હાથ લાગી હતી કે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો એક રીઢો ગુનેગાર ડીસા પંથકમાં ફરી રહ્યો છે અને કોઈ નવી ચોરીનો પ્લાન ઘડી રહ્યો છે.
બાતમીના આધારે વોચ ગોઠવી દબોચી લીધો
LCB ની ટીમે મળેલી સચોટ બાતમીના આધારે ડીસા શહેરમાં અલગ-અલગ લોકેશન પર વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે શંકાસ્પદ હાલતમાં ફરતા ભરત લુહાર નામના શખ્સને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. પોલીસ મથકે લાવીને જ્યારે તેની પ્રોફેશનલ ઢબે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તે ભાંગી પડ્યો હતો અને તેણે બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૪ જેટલી મોટી ઘરફોડ ચોરીઓ આચરી હોવાની કબૂલાત કરી હતી.










