બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠમણ ગામે તસ્કરોએ આસ્થાના કેન્દ્ર સમાન મંદિરને નિશાન બનાવ્યું છે. રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ જોગણી માતાના મંદિરમાં પ્રવેશ કરી કિંમતી ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ તેજ કરી છે.
ગઠમણ ગામે મંદિરમાં ચોરી
મળતી માહિતી મુજબ, ગઠમણ ગામે આવેલા જોગણી માતાના મંદિરમાં મોડી રાત્રે ત્રણ અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી માતાજીના શણગારમાં રહેલા આશરે 500 ગ્રામ વજનના ચાંદીના છત્તરની ચોરી કરી હતી. સવારે જ્યારે ગ્રામજનો દર્શન માટે આવ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી.
સીસીટીવીમાં કેદ થયા તસ્કરો
ગામમાં અને મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની આ સમગ્ર ઘટના કેદ થઈ છે. ફૂટેજમાં ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં મંદિર તરફ જતા અને ચોરી કરીને ભાગતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ગ્રામજનોએ આ ફૂટેજ એકઠા કરીને તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી.
પોલીસ કાર્યવાહી
ચોરીની જાણ થતા જ પાલનપુર તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને તસ્કરોનું પગેરું દબાવવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. સ્થાનિકોની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોર ટોળકીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Rajkot: મધ્યરાત્રિએ જિલ્લા પંચાયત ચોકની ખાનગી બેંકમાં ભીષણ આગ, ફાયર ફાઇટરોએ જહેમત બાદ આગ બુઝાવી