બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ચેખલા જુવોલ સૂરજપુરા પ્રાથમિક શાળામાં એક અત્યંત ભાવુક કરી દેનારી ઘટના સામે આવી છે. છેલ્લા 18 વર્ષથી આ શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા લોકપ્રિય શિક્ષક જીવરાજભાઈ નિનામાની અન્ય સ્થળે બદલી થતા આખું ગામ હિબકે ચડ્યું હતું. શિક્ષકની વિદાય વેળાએ શાળાના માસૂમ બાળકો પોતાના ગુરુને વળગીને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માત્ર બાળકો જ નહીં, પરંતુ ગામના વાલીઓ અને વડીલો પણ પોતાના માનીતા શિક્ષકને વિદાય આપતી વખતે ભાવુક થયા હતા. આ ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને કોઈ પણ વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય તેમ છે.
ગુરુ બિન અંધેરા
સામાન્ય રીતે સરકારી નોકરીમાં બદલી એ એક પ્રક્રિયા હોય છે, પરંતુ જીવરાજભાઈએ આ 18 વર્ષ દરમિયાન માત્ર શિક્ષણ જ નથી આપ્યું, પણ દરેક બાળક અને ગ્રામજનના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. વિદાયના દિવસે બાળકોએ શિક્ષકને ઘેરી લીધા હતા અને તેમને ન જવા માટે વિનંતી કરતા જોવા મળ્યા હતા. વાલીઓએ પણ જણાવ્યું હતું કે આવા સમર્પિત શિક્ષકની વિદાયથી શાળા અને ગામને મોટી ખોટ પડશે. એક આદર્શ શિક્ષક જ્યારે સમાજમાં આવું પરિવર્તન લાવે છે, ત્યારે જ જ્ઞાન અને સંસ્કારનું સાચું મૂલ્ય સમજાય છે. આ વિદાયના દ્રશ્યોએ સાબિત કરી દીધું કે આજે પણ ગુરુ અને શિષ્યની પરંપરા જીવંત છે..
