બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં વીરપુર નજીકથી મળી આવેલા યુવકના મૃતદેહ મામલે મોટો ખુલાસો થયો છે. મૃતક યુવક રવિ માળીએ સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાલનપુર તાલુકા પોલીસે મૃતકના સાસરિયા પક્ષના 5 સભ્યો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપઘાત પહેલા વિડિયો બનાવી આક્ષેપ કર્યા

ઘટનાની વિગત મુજબ, રવિ માળીએ આત્મહત્યાનું અંતિમ પગલું ભરતા પહેલા એક વિડિયો બનાવ્યો હતો. આ વિડિયોમાં તેણે સાસરિયા પક્ષ દ્વારા તેને આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી વર્ણવી હતી. રવિએ આક્ષેપ કર્યો હતો કે તેના સાસરિયાઓ તેને સતત પરેશાન કરી રહ્યા છે, જેના કારણે તે આ અત્યંત આઘાતજનક પગલું ભરી રહ્યો છે. આ વિડિયો પુરાવા તરીકે સામે આવતા પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા તેજ કરી હતી.

 સાસરિયા પક્ષના 5 લોકો વિરુદ્ધ ફરિયાદ

રવિ માળીના પરિવારે આપેલા નિવેદન અને વિડિયો પુરાવાના આધારે પાલનપુર તાલુકા પોલીસે સાસરિયા પક્ષના કુલ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આ પૈકીના 3 આરોપીઓની અટકાયત કરી લીધી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ હાલ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે મનપાની તવાઈ, 138 ખાણીપીણીના એકમો પર ફૂડ વિભાગના દરોડા