સુરતમાં ખાણીપીણીના શોખીનોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના કડક આદેશ બાદ એક્શનમાં આવેલી મનપાની ટીમે શહેરની જાણીતી રેસ્ટોરન્ટ્સથી લઈને શેરી-ગલીઓમાં ચાલતા લારી-ગલ્લાઓ પર સામૂહિક દરોડા પાડ્યા છે.
ખાણીપીણીના બજારમાં ફફડાટ વ્યાપી ગયો
મનપાની ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ-અલગ ટીમોએ શહેરના વિવિધ ઝોનમાં મળી કુલ 138 સ્થળોએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન રસોડામાં સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને વપરાતા તેલ તેમજ મસાલાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મનપાની આ આક્રમક કાર્યવાહીને પગલે ખાણીપીણીના બજારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દંડનીય કાર્યવાહી અને નોટિસ
તપાસ દરમિયાન અનેક જગ્યાએ ગંભીર બેદરકારી અને અસ્વચ્છતા જોવા મળી હતી. જેના પગલે 75 એકમોને વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે.નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી સ્થળ પર જ કુલ ₹52,300નો દંડ વસૂલવામાં આવ્યો છે.અનેક જગ્યાએથી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય સાથે ચેડાં ચલાવી લેવાશે નહીં
સુરત મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને પીરસવામાં આવતી વાનગીઓમાં ગુણવત્તા જળવાઈ રહે તે પ્રાથમિકતા છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને જે એકમો વારંવાર નિયમોનો ભંગ કરશે તેમના લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Kheralu: ડભોડામાં રસ્તાના વિવાદમાં લોહીયાળ સંઘર્ષ, મહિલાઓ પર ધારિયાથી જીવલેણ હુમલો