ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામ પાસે એક અત્યંત કરુણ ઘટના બની છે. અહીં કેનાલમાં નાહવા ગયેલા એક 14 વર્ષના સગીરનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર લાખાવાડ ગામ અને સગીરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નાહવા પડ્યો અને કાળ આંબી ગયો
મળતી માહિતી મુજબ, લાખાવાડ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં રાકેશ વાઘેલા (ઉંમર 14 વર્ષ) નામનો સગીર નાહવા માટે પડ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેનાલના ઠંડા પાણીમાં નાહતી વખતે અચાનક રાકેશ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સગીર ડૂબ્યો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.
