હીરાનગરી સુરતમાં ઉનાળુ વેકેશનની શરૂઆત થતાની સાથે જ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર સ્થિતિ એવી જોવા મળી રહી છે કે પ્રવાસીઓની લાઈન પ્લેટફોર્મથી શરૂ થઈને અંદાજે 5 કિલોમીટર સુધી લંબાઈ છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માંગતા લોકો છેલ્લા 12 કલાકથી કતારમાં ઉભા રહી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.

ઉધના રેલવે સ્ટેશન પર માનવમહેરામણ

સુરતમાં ઉનાળુ વેકેશનની સાથે સાથે મોટાભાગના કારખાનાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. આથી, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકો પોતાના પરિવાર સાથે વતન જવા રવાના થયા છે. બસ અને ખાનગી વાહનોના મોંઘા ભાડા સામે ટ્રેન પ્રથમ પસંદગી હોવાથી સ્ટેશન પર કીડીયારું ઉભરાયું છે.

ટ્રેનો હાઉસફુલ, તંત્ર સજ્જ

ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ નિયમિત ટ્રેનો હાલમાં હાઉસફુલ જઈ રહી છે. ભીડને જોતા રેલવે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લાઈનબદ્ધ રીતે પ્રવાસીઓને સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને સુરક્ષા માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. જોકે, ભીડ એટલી વધારે છે કે રેલવેની વ્યવસ્થા પણ ટૂંકી પડી રહી હોય તેવું જણાય છે.

આ પણ વાંચો: Valsad: ધરમપુરના સાદાડવેરી ઘાટમાં એસ.ટી. બસની બ્રેક ફેલ, ડ્રાઈવરની સમયસૂચકતાથી 19 મુસાફરોનો આબાદ બચાવ