વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજે એક મોટી બસ દુર્ઘટના ટળી છે. ધરમપુરથી ખપટિયા જતી ગુજરાત એસ.ટી. નિગમની બસની બ્રેક સાદાડવેરીના જોખમી ઘાટ વિસ્તારમાં અચાનક ફેલ થઈ ગઈ હતી. જોકે, બસ ચાલકની સમયસૂચકતા અને બહાદુરીને કારણે બસ ખીણમાં ખાબકતા બચી ગઈ હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા છે.
ઘાટમાં બ્રેક ફેલ થતા મચી ચીસાચીસ
મળતી માહિતી મુજબ, એસ.ટી. બસ જ્યારે સાદાડવેરીના ઘાટ ઉતરી રહી હતી ત્યારે અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી. પહાડી અને ઢાળવાળા રસ્તા પર બસ બેકાબૂ બનતા તેમાં બેઠેલા 19 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. મુસાફરોએ ડરના માર્યા ચીસાચીસ કરી મૂકી હતી. એક તબક્કે એવું લાગતું હતું કે બસ સીધી ખીણમાં ખાબકશે.
