ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પાટી ગામેથી વલભીપુર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. રોડની ખરાબ સ્થિતિના કારણે અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત
પાટી ગામના ગ્રામજનોએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરવા માટે સીધા માર્ગ અને મકાન વિભાગની કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે આ માર્ગનું સમારકામ કરવા માટે તેઓએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, તેમ છતાં અત્યાર સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.
બે દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી
ગ્રામજનોની ઉગ્ર રજૂઆત બાદ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે લૂલો બચાવ કરતા જણાવ્યું કે, "આગામી બે દિવસમાં રોડનું કામ શરૂ થઈ જશે." જોકે, અધિકારીની આ ખાતરીથી ગ્રામજનો સંપૂર્ણ સંતુષ્ટ થયા નથી. જો બે દિવસની અંદર રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો પાટી ગામના લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોની માંગ છે કે રોડનું સમારકામ તાત્કાલિક શરૂ થાય જેથી તેમની રોજબરોજની મુશ્કેલીઓનો અંત આવે.
આ પણ વાંચો: ડાયવર્ટેડ ટ્રાફિકને કારણે કવાંટનો 50 વર્ષ જૂનો કરા નદીનો પુલ જર્જરિત, તૂટવાનો ભય