પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત SOG પોલીસને મોટી સફળતા મળી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના (પ્રોહિબિશન) ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને વતનમાંથી દબોચી લેવામાં આવ્યો છે.

પોલીસની વ્યૂહરચના અને ડ્રાઈવ

પંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અમલીકરણ માટે SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા.

બાતમીના આધારે સફળ ઓપરેશન

SOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહને એક ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનાનો ફરાર આરોપી હસમુખ હિંમતભાઈ બારીયા હાલ પોતાના વતનમાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ અને તેમની ટીમે થાણાગર્જન ખાતે ઓચિંતું છાપું મારી વોચ ગોઠવી હતી. પોલીસની આ વ્યૂહરચનામાં આરોપી હસમુખ બારીયા આબાદ ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચો: આઝાદી પછીની મોટી સમસ્યાનો અંત, ચાંચબંદરથી વિક્ટર પોર્ટ વચ્ચે 80 કરોડના ખર્ચે દરિયાઈ પુલનું ખાતમુહૂર્ત