ગુજરાતમાં દારૂબંધીના અમલ માટે રાત-દિવસ મહેનત કરતી પોલીસ પર હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં પંચમહાલના ઘોઘંબા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બુટલેગરોએ પોતાની ધરપકડથી બચવા માટે સીધો પોલીસ અધિકારી પર જ વાહન ચડાવી દીધું હતું.
પેટ્રોલિંગમાં હતા તે સમયે લીધા અડફેટે
મળતી માહિતી પ્રમાણે ઘોઘંબા પોલીસ મથકના PSI એસ.એમ. ડામોર પોતાની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચમાં હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક બુટલેગર પોતાની બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે PSI ડામોરે નાકાબંધી કરી બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
PSI ડામોરને પહોંચી ગંભીર ઇજા
પોલીસને સામે જોઈને ઉભા રહી જવાને બદલે, દારૂના જથ્થા સાથે નીકળેલા બુટલેગરે બાઈકની ઝડપ વધારી દીધી હતી. PSI ડામોરે જ્યારે હિંમત દાખવી તેને અટકાવવાની કોશિશ કરી, ત્યારે બુટલેગરે સીધી બાઈક તેમની સાથે અથડાવી દીધી હતી. આ જોરદાર ટક્કરને કારણે PSI ડામોર રસ્તા પર ફેંકાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં માત્ર પોલીસ અધિકારી જ નહીં, પરંતુ બુટલેગર પણ નીચે પટકાયો હતો અને તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળે હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક PSI એસ.એમ. ડામોર અને બુટલેગર બંનેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલમાં પોલીસ અધિકારીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.










