ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ‘બાળ અધિકાર અને બાળ વિવાહ મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ગોધરા ખાતે ઝોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર, સાંસદ રાજપાલ સિંહ જાદવ, અને ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ વર્કશોપ માત્ર ચર્ચાનું કેન્દ્ર બનવાને બદલે અધિકારીઓની કાર્યશૈલી પરના સવાલોને કારણે ગાજ્યો હતો.

અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા

વર્કશોપ દરમિયાન મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સુથાર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે જાહેરમાં અધિકારીઓને આડે હાથે લેતા જણાવ્યું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વહીવટી તંત્ર ઉદાસીન છે. ખાસ કરીને મોરવા હડફના ગામડાઓમાં બાળ પોષણની યોજનાઓનો લાભ મળતો નથી તેવી ફરિયાદોનો ઉલ્લેખ કરી તેમણે અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ, સાંસદ રાજપાલ સિંહ જાદવે સૂચન કર્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો માત્ર એસી હોલ કે શહેરો પૂરતા મર્યાદિત ન રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં યોજવા જોઈએ, જ્યાં તેની ખરેખર જરૂર છે.

બાળ અત્યાચાર અને સગીરાઓની સુરક્ષા પર સવાલ

જ્યારે રાજ્યમાં વધી રહેલા બાળ અત્યાચારના બનાવો અને પંચમહાલમાં સગીરાઓના ગર્ભવતી થવાના ચિંતાજનક આંકડાઓ અંગે 'સંદેશ' દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે બચાવની મુદ્રામાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે આયોગ દરેક જિલ્લામાં સતર્ક છે, પરંતુ આવા બનાવો રોકવા માટે માત્ર આયોગ નહીં, પણ સામાજિક જવાબદારી અને સામાજિક સંગઠનોનો સાથ અનિવાર્ય છે. સગીરાઓના ગર્ભવતી થવાના ગંભીર મુદ્દે પણ તેમણે સામાજિક સુધારા પર ભાર મૂક્યો હતો. આમ, આ વર્કશોપ બાળ સુરક્ષાના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈને ઉજાગર કરનારો બની રહ્યો હતો.


  • Follow us on: