સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં માનવાને કંપાવી દેતી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પોતાના પિતાના સતત ત્રાસ અને અપમાનથી કંટાળીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના માત્ર આત્મહત્યાનો કિસ્સો નથી. પરંતુ એક પતિની રાક્ષસી વૃત્તિ અને સંવેદનહીનતાનો પુરાવો પણ છે.
પતિએ આત્મહત્યા કરવા ઉશ્કેરી
મળતી માહિતી પ્રમાણે મૃતક પરિણીતા અને તેના પતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. પતિ દ્વારા તેને અવારનવાર માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી. ઘટનાના દિવસે પણ પતિએ પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેને મારઝૂડ કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પતિએ પત્નીને મરવા માટે ઉશ્કેરતા કહ્યું કે, ઘરમાં તેલ પડ્યું છે, જઈને મરી જા. પતિના આવા કડવા શબ્દો અને સતત થતા અપમાનથી અત્યંત આવેશમાં આવી જઈને પરિણીતાએ ઘરના ડીઝલનો ઉપયોગ કરી પોતાના શરીરે આગ ચાંપી દીધી હતી.
રુંવાડા ઉભા કરી દે તેવી સંવેદનહીનતા
જ્યારે પત્ની આગની જ્વાળાઓમાં લપેટાયેલી હતી અને મદદ માટે બૂમો પાડી રહી હતી, ત્યારે તેને બચાવવાને બદલે તેના પતિએ પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. એક પત્ની મૃત્યુ સામે ઝઝૂમી રહી હતી અને પતિ તે વેદનાને કેમેરામાં કેદ કરી રહ્યો હતો, જે દર્શાવે છે કે સંબંધોમાં કેટલી હદે વિકૃતિ આવી ગઈ છે.
પોલીસે પતિની કરી ધરપકડ
આ ચકચારી ઘટનાની જાણ થતા જ ઈચ્છાપોર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે મૃતક પરિણીતાના પરિવારની ફરિયાદના આધારે આરોપી પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે.
આ પણ વાંચોઃ Mehsana: પાન્છાનો પાંજરા પ્રયોગ, દારૂડિયાઓ માટે ગામ વચ્ચે જેલ જેવી સજા!