પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી બુઝુર્ગ ગ્રામ પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો થયો હતો. સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી, ત્યારે એક ગ્રામજન દ્વારા સરપંચ પર કોઈક આક્ષેપ મૂકવામાં આવતા મામલો ગરમાયો હતો. આક્ષેપો બાદ ઉશ્કેરાયેલા ગ્રામજન દ્વારા સરપંચ સાથે ઝપાઝપી અને મારામારી કરવામાં આવી હતી.
પંચાયત સભામાં તંગદિલી વ્યાપી
ગ્રામજન દ્વારા ગુસ્સામાં આવીને ખુરશી ઉછાળવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ અચાનક થયેલા હુમલાથી પંચાયત સભામાં તંગદિલી વ્યાપી ગઈ હતી. જોકે, ગામના અન્ય અગ્રણીઓ અને સભ્યોએ તાત્કાલિક દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાથી ગ્રામ પંચાયતના વહીવટમાં ઊભી થયેલી તકરાર સપાટી પર આવી છે. આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે કેમ, તે અંગેની વિગતો હજી સામે આવી નથી.










