પંચમહાલ જિલ્લાના શહેરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને જાહેર માર્ગોને ખુલ્લા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરાના મુખ્ય એવા શામળાજી રોડ પર લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.


JCB મશીનોની મદદથી સપાટો

શામળાજી રોડની બંને બાજુએ વેપારીઓ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા દબાણોને કારણે રસ્તો સાંકડો બન્યો હતો. તંત્રએ સવારથી જ JCB મશીનો સાથે કાફલો ઉતારીને કામગીરી શરૂ કરી હતી. જેમાં રોડની બંને તરફ નડતરરૂપ એવા પાકા ઓટલા, લોખંડના પતરાના શેડ અને કેબિનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.

200થી વધુને નોટિસ અને આગામી ટાર્ગેટ

વહીવટી તંત્ર દ્વારા અગાઉ જ ૨૦૦થી વધુ દબાણકર્તાઓને કાયદેસરની નોટિસ ફટકારીને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સૂચના આપી હતી. તેમ છતાં અમુક લોકોએ દબાણ ન હટાવતા આજે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. શામળાજી રોડ બાદ હવે તંત્રનું આગામી લક્ષ્ય વાઘજીપુરા ચોકડી રોડ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વાઘજીપુરા ચોકડી વિસ્તારમાં પણ ટૂંક સમયમાં દબાણ હટાવવાની કામગીરી તેજ કરવામાં આવશે.

ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિની આશા

શહેરાના મુખ્ય માર્ગો પર દબાણોને કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેનાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન હતા. તંત્રની આ ઝુંબેશથી રસ્તાઓ પહોળા થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે તેવી આશા સેવાઈ રહી છે. જોકે, અચાનક આવેલી આ આફતથી નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ Vadodaraના ડભોઇમાં ખાતરનો દુષ્કાળ, રવિ પાકને બચાવવા ખેડૂતોની કતારો અને કકળાટ


  • Follow us on: