પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષકની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે એક દાયકાઓ જૂના કેસનો ઉકેલ લાવ્યો છે. શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં છેલ્લા 20 વર્ષથી પોલીસને થાપ આપી રહેલો આરોપી આખરે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે. પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે 20 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી ભોપત ઉર્ફે ભુપતભાઈ અમરાભાઇ રાઠોડ પોતાની ઓળખ છુપાવીને ખેડા જિલ્લામાં રહી રહ્યો છે.


20 વર્ષ જૂના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

આ બાતમીના આધારે પોલીસે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વજેવાલ ગામે દરોડો પાડીને આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. આરોપી ભોપત રાઠોડ વિરુદ્ધ શહેરા પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. વર્ષ 2004-05થી તે સતત ધરપકડથી બચવા માટે અલગ-અલગ સ્થળોએ આશરો લઈ રહ્યો હતો.

વોન્ટેડ આરોપી આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો

જોકે, પોલીસની ટેકનિકલ દેખરેખ અને બાતમીદારોના નેટવર્કે તેને 20 વર્ષે પણ કાયદાના સકંજામાં લાવી દીધો છે. પેરોલ ફ્લો સ્ક્વોડે આરોપીનો કબજો મેળવી તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી ગુનેગારોમાં એવો સ્પષ્ટ સંદેશ ગયો છે કે ગુનો ગમે તેટલો જૂનો હોય, કાયદાના હાથ લાંબા હોય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: