લવ જેહાદ અને છેતરપિંડીના કિસ્સાઓ વચ્ચે પંચમહાલનું એક નાનકડું ગામ કંકોડાકુઈ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે લગ્ન નોંધણીના નામે ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આશરે 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી, તેમ છતાં અહીંથી અનેક મુસ્લિમ લગ્નોના સત્તાવાર દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા.


સરપંચનો ચોંકાવનારો ખુલાસો

ગામના સરપંચ પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે બહારના જિલ્લાઓમાંથી હિન્દુ અને મુસ્લિમ યુવતીઓના પરિવારજનો પૂછપરછ માટે ગામમાં આવવા લાગ્યા ત્યારે આ આખી ઘટના સામે આવી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે ગામમાં અસ્તિત્વ જ ન હોય તેવા નામો પર નિકાહના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. આ મામલે સ્થાનિક તલાટીની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ થઈ છે.

મહિલાઓમાં રાહતની લાગણી

ગામની મહિલાઓએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લગ્ન નોંધણીના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા તાજેતરના ફેરફારો ખૂબ જ જરૂરી હતા. એક મહિલાએ રોષ સાથે જણાવ્યું કે, "હવે કોઈ પણ 'સલીમ' 'સુરેશ' બનીને અમારી દીકરીઓ સાથે છેતરપિંડી નહીં કરી શકે. નવા નિયમોથી હિન્દુ દીકરીઓ વધુ સુરક્ષિત બનશે."

નવા નિયમોની અસર

રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણી માટે ફરજિયાત કરાયેલા નવા નિયમો અને વાંધા-સૂચનો મંગાવવાની પ્રક્રિયા બાદ, કંકોડાકુઈ જેવા ગામોમાં ચાલતા આવા નકલી રજિસ્ટ્રેશનના કૌભાંડો પર બ્રેક લાગશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Surat: બિલ્ડરની આર્થિક તંગીનો ફાયદો ઉઠાવી મહિલાએ કર્યું બ્લેકમેલિંગ, પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

  • Follow us on: